અપડેટ@સુરત: ઈતિહાસમાં અંગદાનનો સૌથી મોટો કિસ્સો સામે, નવજાત બાળકે 6 લોકોને નવજીવન આપ્યું

બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું
 
Update Surat biggest case of organ donation in history newborn baby gives new life to 6 people

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતના ઈતિહાસમાં અંગદાનનો  સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. પહેલીવાર જન્મજાત બાળકના અંગોનું દાન કરાયું છે.  સુરતમાં સૌથી નાની વયના બાળકનું ઓર્ગન ડોનેશન કરાયું છે. જન્મજાત બાળકે 6 લોકોને જીવનદાન આપતા ઈતિહાસ રચાયો છે. 

માત્ર સાડા ચાર દિવસના બાળકને દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં ફરી દુનિયાને અલવિદા કરી છે. જોકે તેના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યા બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જોકે ડોક્ટરે બાળકને બ્રેઇનડેડ જાહેર કરતાં પરિવારે બાળકની અંગદાન કરવા સહમતી આપી હતી.

જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકનાં અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના વાલક પાટિયા પાસે ગીતાંજલી રો-હાઉસમાં રહેતાં અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું.

તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડિયાની કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. અહીં બાળકને વેન્ટિલેટર પર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી. સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. વિશેષ સારવાર માટે ન્યૂરોલોજીસ્ટ તબીબોએ બાળકની તપાસ કરતાં તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું.

પરિવાર ભારે હૃદયથી ઈશ્વર ઈચ્છા સ્વીકારીને એ સમયે પારિવારિક મિત્ર હિતેશ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડિયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી. તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી એમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો. બાદમાં જીવનદીપ ઓર્ગન ડોનેશનના સભ્યોના સહકાર-સમજણ થકી બાળકના પરિવારે માત્ર ચાર જ દિવસના બાળકનાં અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો અને નવરાત્રીમાં પુણ્યનું કામ કર્યું હતું.