અપડેટ@સુરત: 750થી વધારે શહીદ જવાનોના ઘરે નખાશે સોલર સિસ્ટમ,ડાયમંડ કિંગે કરી પહેલ

અત્યાર સુધી 150 શહીદોના ઘર પર આ સિસ્ટમ લાગી ચૂકી છે
 
અપડેટ@સુરત: 750થી વધારે શહીદ જવાનોના ઘરે નખાશે સોલર સિસ્ટમ,ડાયમંડ કિંગે કરી પહેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ડાયમંડ કિંગ અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ અનોખું બીડું ઉપાડ્યું છે. દેશની રક્ષા કાજે પોતાના જીવ આપી દેનારા દેશના વીર જવાનોના ઘર પર સોલર સિસ્ટમ ઈન્સ્ટૉલ કરવામાં આવશે. આમ કરવાથી વીજ બીલ પણ ઘટશે અને પર્યાવરણને નુકશાન થતું પણ અટકશેભારત દેશની રક્ષા માટે ફરજ બજાવતા સેનાના વીર જવાનો પોતાના પ્રાણ પણ આપી દે છે.

ત્યારે સેનાના શહીદ જવાનોનાં ઘર ઝળાહળા કરવા સાથે વીજબિલમાં પણ ઘટાડો કરવાના શુભ આશયથી સોલર પેનલ લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. સુરતમાં ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ આ અંગે ગુજરાતના 125 સહિત ભારતના 750થી વધુ વીર શહીદોની યાદી તૈયાર કરાવી છે.

અત્યાર સુધી 150 શહીદોના ઘર પર આ સિસ્ટમ લાગી ચૂકી છે. આવી એક સોલર સિસ્ટમનો ખર્ચ રૂ. 80 હજારથી એક લાખ સુધીનો આવે છે. પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર દેશ માટે સ્વનું બલિદાન આપનારા શહીદોના પરિવાર માટે કંઈક કરવાની ખેવના રાખતા ગોવિંદભાઈ ધોળકિયાએ 15 ઑગસ્ટ 2022એ આ યોજનાની શરૂઆત કરી હતી. સોલાર પેનલ થકી પરિવારને દર વર્ષે વીજ બિલમાં આશરે રૂ. 15થી 20 હજારની બચત થશે અને બીજી તરફ પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે. શહીદોના આ પરિવારોને 20 વર્ષ સુધી સોલર સિસ્ટમનો લાભ મળી શકશે.

આ યોજનાના કો-ઓર્ડિનેટર ભાવેશ લાઠિયાએ કહ્યું કે 'એક વર્ષથી સુરત સ્થિત જય જવાન નાગરિક સમિતિ તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી શહીદોના નામ અને સરનામાનો ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. તે ડેટાના આધારે ફાઉન્ડેશનની ટીમે શહીદોના ઘરની મુલાકાત લીધી હતી અને તેમની આર્થિક સ્થિતિની માહિતી મેળવી હતી. જરૂરિયાતમંદ શહીદના પરિવાર સુધી સોલર સિસ્ટમ પહોંચે તે ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે.'

આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, 'અમારી અપેક્ષા મુજબ 15 ઑગસ્ટ, 2023 સુધીમાં ડેટાના આધારે સોલર સિસ્ટમના ઈન્સ્ટોલેશનનું કામ પૂરું થવાનું હતું પણ અત્યાર સુધી માત્ર 150 શહીદોના ઘરમાં સિસ્ટમ લગાડી શકાઈ છે. અમારી પાસે જે ડેટા આવ્યો હતો તે મુજબ આશરે 3000 શહીદોના પરિવારનો ફોન ઉપર સંપર્ક કર્યો હતો પણ કેટલાકના નંબર બદલાઈ ગયા હતા તો કેટલાકનાં સરનામાં મળી શક્યા નહોતાં. આ કારણે યોજનાની ગતિ ધીમી પડી. હાલ ગુજરાતના ડેટા પ્રમાણે કામ પૂરું થયું છે. હવે ગુજરાત બહારનાં રાજ્યોમાં ફાઉન્ડેશનની ટીમ જવા માટે તૈયાર છે.'

આ યોજના પાછળનો વિચાર છે કે શહીદોના પરિવારને જો એક લાખ રૂપિયા પણ અપાય તો તેને પૂરા થતાં વાર ના લાગે. તેના કરતાં જો તેમના ઘરમાં સોલાર સિસ્ટમ હોય તો તેમને 20 વર્ષ સુધી વીજબિલમાં રાહત મળે અને આડકતરી રીતે આર્થિક મદદ પણ મળે. બીજી તરફ પર્યાવરણને પણ નુકસાન થતું અટકે.