અપડેટ@અમદાવાદ: સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવેશ અને હાજરી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલડી કાંકજ ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવેશ અને હાજરી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જ્યાં અસલાલી પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના ખાનગી શાળાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. જોકે આ કેસમાં સંડોવાયેલ સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય આરોપી જીગ્નેશ સથવારા હજુ ફરાર છે.
શહેર ના દસ્ક્રોઇ તાલુકાના પાલડી કાંકજ ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા અને પાસે આવેલ શારદા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા અને હાજરી પુરવા બાબતે સામે આવેલ વિવાદને લઈને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.જેમાં શારદા સ્કૂલના સંચાલક સંદીપ બ્રહ્મભટ્ટ અને સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા સામે દાખલ થયેલ ફરિયાદમાં સંદીપ બ્રહ્મભટ્ટની ધરપકડ કરાઇ છે.
એક જ કેમ્પસમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની શાળા સંદીપ બ્રહ્મભટ્ટ ચલાવતો હતો. એટલે કે ગામમાં 6 થી 8 ધોરણની પ્રાથમિક અને એ જ કેમ્પસમાં 9 થી 12 ગ્રાન્ટેડ શાળા પણ ચલાવતો હતો.
બીજી તરફ આ શાળાની નજીક 500 મીટરની અંતરે સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. આ પ્રાથમિક શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજરી પૂરવામાં આવતી. જ્યારે તેમનું શૈક્ષણિક કાર્ય શારદા સ્કૂલમાં ચાલતું હતું. આ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાની SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યે પોતાની દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ખાનગી શાળાએ પહોંચ્યા જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની દીકરીનું નામ સરકારી પ્રાથમિક શાળામાં ઓન પેપર હતું, પણ ભણવા માટે ખાનગી શાળામાં જતા હતા. જેથી ખાનગી શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યું.
જે માટે સંદીપ ભટ્ટ પ્રતિ વિદ્યાર્થી રૂપિયા 11,000 ટ્યુશન ફી પણ વસૂલતા હતા. અગાઉ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ કરાવતા આચાર્યની ભૂલ સામે આવી હતી. જેથી તેની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવી હતી. જોકે હવે પોલીસ ફરિયાદ થઈ છે, ત્યારે આચાર્ય ફરાર થઈ ગયા છે.
પોલીસે તપાસ શરૂ કરી છે કે આ રીતનું સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા અને હાજરી પુરવા બાબતે કૌભાડ કેટલા સમયથી ચાલતું હતું. અન્ય સ્કૂલ સંચાલક સિવાય અન્ય કોની સંડોવણી છે જેને લઇ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.