અપડેટ@ગુજરાત: રાજ્યના 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના 37 IPS અધિકારીની અચાનક બદલી કરવામાં આવી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ બદલીમાં નિર્લિપ્ત રાયને SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ IG બનાવાયા છે. સાથે જ શમશેર સિંઘને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે.
આ બદલીમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ પર ફેરફાર કરવામાં આવ્યા છે. શમશેર સિંઘને ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અશોક કુમારને CID ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ લિસ્ટ જુઓ
ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે ગૌતમકુમાર પરમારની CID ક્રાઇમ ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત રાઘવેન્દ્ર વત્સાને અમદાવાદ રેન્જના IG તરીકે, નિલેશ જાજડીયાને વડોદરા શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે તથા બિપિન આહિરને ગાંધીનગરમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બાગરિયાને સુરત શહેર સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરનરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઝોન 8 બનશે, અત્યાર સુધી 7 ઝોન હતા, ત્યારે હવે ઝોન 8 બનશે જેમાં DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક JCP એન.એન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં IG તરીકે બદલી કરવામાં આવી છે.એન.એન ચૌધરી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ફરજ બજાવતા હતા.તેમનું DIGથી IG નું પ્રમોશન પણ અમદાવાદમાં નોકરી દરમિયાન આવ્યું હતું. એ.જી ચૌહાણ જેલ IGની અમદાવાદ શહેર ટ્રાફિક JCP તરીકે બદલી કરવામાં આવી છે. એ.જી ચૌહાણ અગાઉ પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અગાઉના અનુભવના આધારે તેમની અમદાવાદમાં ટ્રાફિક JCP તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં IG તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
વડોદરા પોલીસ વિભાગમાં થયેલી મહત્વની બદલીઓમાં, એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટિલની નિમણૂક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડેમીના પ્રિન્સિપાલ તરીકે કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયાની બદલી વડોદરા શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસના પદ પર કરવામાં આવી છે. આ સાથે જ, પોસ્ટિંગની રાહ જોઈ રહેલા સરોજ કુમારીને વડોદરાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
1991 બેચના સિનિયર આઈ.પી.એસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. કારણ, શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા, તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યાં છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ બે મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે.
આ ઉપરાંત અનેક અધિકારીઓને DIG, એડિશનલ કમિશનર અને અન્ય મહત્ત્વના હોદ્દાઓ પર બદલી સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના પોલીસ તંત્રમાં મોટાપાયે વહીવટી ફેરફાર જોવા મળશે.

