અપડેટ@ગુજરાત: બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ, સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

 
વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થઈ હતી. જ્યારે હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3 કલાકે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે 2024 માટે ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો, તો પરીક્ષા કેન્દ્રો પર વાલીઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર ક્યાંક ગુલાબનું ફૂલ આપી તો ક્યાંક સાકર ખવડાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત કોઈ વિદ્યાર્થી ચોરી કે ગેરરીતી ન આચરે તે માટે ઈન્સપેક્શન સ્કોડની વ્યવસ્થા કરાવામાં આવી છે.

ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીની બોર્ડ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે, આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓ ના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના.

ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ સહિત ગુજકેટ માટે માટે કુલ 16,76,739 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ 10 માટે 9,17,687, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4,98,279 અને ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓ માટે 84 ઝોન પાડી 981 કેન્દ્રો અને 3184 બિલ્ડીંગોમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવી છે, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 1,32,073,ના વિદ્યાર્થીઓ માટે 56 ઝોન પાડી 147 કેન્દ્રો ગોઠવી 614 બિલ્ડીંગોમાં પરીક્ષા લેવાઈ રહી છે, આજ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4,98,279 વિદ્યાર્થીઓ માટે 56 ઝોન પાડી, 506 કેન્દ્રોમાં 1580 બિલ્ડીંગોમાં પરીક્ષા ગોઠવી છે. તમને જણાવી દઈએ કે, ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ માટે તારીખ 31-3-24ના રોજ પરીક્ષા માટે 34 ઝોન સાથે 34 કેન્દ્રોમાં 630 બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા તારીખ 11-3-2024 થી 22-03-2024 સુધી યોજાશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ 11-03-2024થી 26-03-2024 સુધી લેવાશે આજ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 11-3-2024 થી 22-03-2024 સુધી ગોઠવવામાં આવી છે. ધોરણ 10 માટે સવારે 10 થી 13.15 તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 3 થી 6.30 નો સમય રાખવામાં આવ્યો છે.

ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે અનાથ બાળકો, જેલના કેદીઓ માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ સાબરમતી જેલના 30 કેદીઓ આ વખતે પરીક્ષા આપી રહ્યા છે. તો પુરા રાજ્યમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 73 કેદી અને 12માં 57 કેદી સહિત કુલ 130 કેદીઓ ચાર જેલમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે વડોદરામાં 73 જેટલા અનાથ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે.

બોર્ડની પરીક્ષાને લઈ પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. કેન્દ્રો પર બંદોબસ્ત તો ગોઠવવામાં આવ્યો છે. પરંતુ પરીક્ષાર્થીઓ ટ્રાફિકની સમસ્યાથી કેન્દ્રો પર મોડા ન પહોંચે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો તેના માટે હંલ્પલાઈન નંબર 1095 પર ફોન કરી શકે છે.