અપડેટ@ગુજરાત: કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં GST તંત્રે 3 વેપારી પકડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જીએસટીના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને ઉપરથી દબાણ વધતાં બોગસ બિલિંગ કૌભાંડ કરતા કૌભાંડીઓની તપાસ કરી રહ્યા છે ત્યારે જ કોપરના વેપારીઓ દ્વારા 861 કરોડના બોગસ બિલ જનરેટ કરી 155 કરોડ રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘર ભેગી કરી દેવાઈ હતી. આ પ્રકરણની તપાસ દરમિયાન સુરતના ત્રણ મોટા મેટલના વેપારીઓની ધરપકડ કરાઈ છે.
જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ કૌભાંડીઓને મહેમાનની જેમ સરભરા કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હજુ છ કંપનીઓની તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ ભેદી સંજોગોમાં તેમના નામ છૂપાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો જાણે કે નવો વ્યવસાય શરૂ થયો હોય તે રીતે કૌભાંડીઓ બોગસ બિલ જનરેટ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અધિકારીઓ દ્વારા કોપર કોમોડિટીના 9 એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના એકમોની નોંધણી ભાવનગરમાં થઈ હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા ડોક્યુમેન્ટ અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા.
આ પ્રકરણમાં કરોડો રૂપિયાના ખોટા બિલની આપ લેમાં સંડોવાયેલા સુરતના ત્રણ મેટલના વેપારીઓની છતી થતાં અધિકારીઓએ કડોદરા ખાતે આવેલી ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીના કપિલ હુકમીચંદ કોઠારી, ઉધના ખાતેની અંબિકા મેટલ ઇન્ડસ્ટ્રીના ધર્મેશ પ્યારચંદ કોઠારી તથા કડોદરા ખાતેની જય નાકોડા મેટલ ઇન્ડસ્ટ્રીના હિતેશ પ્યારચંદ કોઠારીની ધરપકડ કરી છે. આ ત્રણ કંપનીના સંચાલકોએ 670 કરોડ રૂપિયાના બોગસ બિલ લઈ 120 કરોડની બોગસ આઈપીસી મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
ત્રણે કૌભાંડીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. જીએસટી ના અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ છ પેઢીઓની તપાસ ચાલી રહી છે જેના વ્યવહારોમાં ઘણા ગોટાળા સામે આવે તેવી સંભાવના છે.