અપડેટ@ગુજરાત: જંતર-મંતર ખાતે NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં ગુજરાતની એન્ટ્રી

25મી જુલાઈએ ગાંધીનગરમાં એકઠા થવા આહ્વાન
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીના જંતર-મંતરના આંદોલનની ગુજરાતમાં એન્ટ્રી.દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ વિરોધના શંખનાદ વાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા દેશભરના વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આગામી 25 જુલાઈએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

AAP નેતા પ્રવિણ રામે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શિત કરવા ખાસ હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિદ્યાર્થી આંદોલનની આગ હવે ગુજરાત સુધી પહોંચી છે. રાજ્યના તમામ યુવાનો આજે પોતાની કોલેજોમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવે અને ૨૫ જુલાઈએ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચે."

AAP ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને બહેનો-દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે. NEET પેપર લીક કૌભાંડથી કરોડો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે, જેથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ત્વરિત રાજીનામું આપવું જોઈએ. જ્યારે દેશનો યુવા પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહ્યો હોય ત્યારે દમન કરવાને બદલે સરકારે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ.

પાયલ સાકરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, 25 જુલાઈએ સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે, જેમાં AAPના તમામ નેતાઓ અને કાર્યકરો જોડાશે. શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના હિતમાં ગુજરાતના તમામ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને આ આંદોલનમાં જોડાઈને તેને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.