અપડેટ@ગુજરાત: 11 મેના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે.આગામી 11 મેના રોજ PM મોદી ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. ત્યારબાદ વડોદરામાં રૂપિયા 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરામાં રોડ શો યોજે તેવી શક્યતાઓ હોય તંત્ર દ્વારા તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.
ગુજરાતની પ્રવાસ દરમિયાન પીએમ સૌ પ્રથમ 10 તારીખે રાત્રિના જામનગર એરપોર્ટ પર પધારશે અને રાત્રિ રોકાણ પણ જામનગરમાં કરશે. 11 મેના રોજ સવારે જામનગરથી સોમનાથ રવાના જશે. સોમનાથમાં આયોજીત સ્વાભિમાન પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ વડોદરા જશે. જ્યાં 150 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની ભવ્ય જીત અને તે ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની જીત બાદ કદાચ તેઓનો આ સૌપ્રથમ જાહેર કાર્યક્રમ છે જેથી આ કાર્યક્રમમાં 30 થી 40 હજાર જનમેદની આવવાની સંભાવનાઓ છે. ત્યારે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલવા માટે એરપોર્ટથી સરદારધામ સુધી રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
વડોદરામાં સરદાર ધામ-3ના લોકાર્પણ માટે આવી રહેલા વડાપ્રધાનનું પાટીદાર સમાજ વતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરાશે. પીએમ મોદીને સરદાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આવતી 11 મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય 'સરદારધામ-3' હવે લોકાર્પણ માટે સજ્જ છે. આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મેના રોજ કરવામાં આવશે.

