અપડેટ@ગુજરાત: 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે. તેમના 2 દિવસીય પ્રવાસને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજીતરફ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવશે. જ્યાં આગળ-પાછળ 108 અશ્વો વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રા પણ યોજાશે.ચર્ચા છે કે, સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિ.મી. લાંબા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય 'સ્વાભિમાન યાત્રા' યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે 2 કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો અને વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતિક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.
10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.
વડાપ્રધાનના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.
વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દ્રશ્યાત્મક રીતે અદભૂત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના "ડ્રીમ પ્રોજેક્ટ" તરીકે જોવામાં આવે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ તે ભારતના અડગ આત્મવિશ્વાસ, અખંડ આસ્થા અને હજારો વર્ષ જૂના સ્વાભિમાનનું પુનર્જાગરણ છે. એક હજાર વર્ષ પછી પણ અડીખમ ઊભેલા સોમનાથ મહાદેવ આજે ફરી દેશને એ જ સંદેશ આપી રહ્યા છે

