અપડેટ@ગુજરાત: પોલીસ કર્મચારીઓ રખડતા ઢોર પકડવા ગયા ત્યારે ત્રણ શખ્સે લાકડીઓથી હુમલો કર્યો

વિવિધ વિસ્તારમાંથી 113 પશુ પકડાયા
 
અપડેટ@ગુજરાત: પોલીસ કર્મચારીઓ રખડતા ઢોર પકડવા ગયા ત્યારે ત્રણ શખ્સે લાકડીઓથી હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વિંઝોલ ક્રોસિંગ રોડ નજીક એએમસીના સીએનસીડી વિભાગની ટીમ રખડતા ઢોર પકડવા ગઇ ત્યારે ત્રણ શખ્સોએ ગાયોને હાંકી કાઢી કામગીરીમાં અડચણ કરી હતી. ત્રણેય શખ્સોએ એએમસી અને પોલીસ કર્મીઓ પર લાકડીઓથી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલે ત્રણ શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દિગ્વિજયસિંહ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને તેમની ડ્યૂટી એએમસીના સીએનસીડી વિભાગમાં છે.

18 સપ્ટેમ્બરે સવારે તેઓ એએમસીના અને પોલીસ સ્ટાફના કર્મીઓ સાથે વિંઝોલ ક્રોસિંગ રોડ નજીક રખડતી ગાયો પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ લાકડી પછાડીને ગાયોને હાંકી કાઢી સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હતી. આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને એએમસી અને પોલીસ કર્મીઓ સાથે ઝઘડો કરીને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ અંગે દિગ્વિજયસિંહે સુરેશ ભરવાડ સહિત ત્રણ શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વિવિધ વિસ્તારમાંથી 113 પશુ પકડાયા

મ્યુનિ. સીએનસીડી ખાતાએ શહેરનાં વટવા, સીટીએમ, નિકોલ-નરોડા રોડ, વિરાટનગર, ખાડિયા, બોપલ, અમરાઇવાડી, અસારવા સહિતનાં વિસ્તારોમાંથી સોમવારે રખડતાં ૧૧૩ પશુ પકડીને ઢોરવાડામાં મોકલી આપ્યા હતા. તંત્રની કામગીરીમાં ઠેકઠેકાણે પશુપાલકોએ અડચણ પહોંચાડવાનો પ્રયાસ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. ઉપરાંત ૧૩ હજાર કિલોથી વધુ ઘાસચારો જપ્ત કરીને બાકરોલ, દાણીલીમડા અને નરોડા કેટલ પોન્ડમાં મોકલ્યું હતું.