અપડેટ@ગુજરાત: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ભેળસેળિયું ઘી ખરીદીને વાપરવાની ચોંકાવનારી ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે અમદાવાદના વેપારીને ત્યાંથી ભેળસેળિયું ઘી ખરીદીને વાપરવાની ચોંકાવનારી ઘટનામાં મ્યુનિ. ફૂડ વિભાગની આંખે ઉડીને વળગે તેવી નિષ્ક્રિયતાનો પર્દાફાશ થયા બાદ ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને માધુપુરાના વેપારીને ત્યાં દરોડા પાડવાની ફરજ પડી હતી.
તે સમયે મ્યુનિ. ફૂડ વિભાગની ટીમને શોભાનાં ગાંઠિયાની જેમ બાજુમાં ઉભી રાખવામાં આવી હતી.
આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ગાંધીનગરની ટીમે આવીને દરોડા પાડ્યા તેમ છતાં મ્યુનિ. ફૂડ વિભાગે સઘળી કાર્યવાહી પોતે કરી હોવાનો ઢોલ પીટ્યો હતો. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં એડિશનલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન જોષીએ જારી કરેલી અખબારી યાદીમાં પણ અનેક બાબતો છૂપાવવામાં આવી છે.
ફૂડ વિભાગની યાદી અનુસાર, અંબાજી મંદિર દ્વારા આપવામાં આવતાં પ્રસાદમાં વપરાતાં શુદ્ધ ઘીમાં ભેળસેળ માલુમ પડતાં મધ્ય ઝોન વિસ્તારમાં માધુપુરા અને કાલુપુર ઘી બજારમાં ઘીનાં વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આશરે ૧૭ જેટલાં વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ કરી શુદ્ધ ઘીનાં ૧૭ નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. તદઉપરાંત ત્રણ વેપારીઓને નોટિસ આપીને ૭૦૦ કિલો ઘીનો જથ્થો સ્થગિત કર્યો હતો. જેની બજાર કિંમત આશરે ૪.૬૭ લાખ રૂપિયા આંકવામાં આવી છે. તદઉપરાંત બે એકમને જીપીએમસી એક્ટની કલમ ૩૭૬-એ હેઠળ સીલ મારવામાં આવ્યા છે.
રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાંથી અનેક પ્રકારની ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની ખાણીપીણીની ચીજો રાજ્યભરમાં વેચાવા માટે જતી હોવાનું કહેવાય છે, તેમ છતાં મ્યુનિ. ફૂડ વિભાગની નજરે આ ભેળસેળ ચડતી નથી અને મોટાભાગે લેબોરેટરીમાં પાસ થઇ જાય તેવા જ નમૂના
લેવામાં આવતાં હોવાનાં આક્ષેપો થઇ રહ્યાં છે. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં ડે.કમિશનર પણ ફૂડ વિભાગની સાવ નબળી કામગીરી પરત્વે આંખ આડા કાન કરતાં હોવાની ચર્ચા મ્યુનિ.કર્મચારી આલમમાં ચાલી રહી છે. તેમ છતાં ફૂડ વિભાગ સામે કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
મ્યુનિ. સૂત્રોનાં દાવા પ્રમાણે તો ફૂડ વિભાગે છેલ્લા કેટલાય સમયથી શુદ્ધ ઘીનાં નમૂના જ લીધા નથી અને અગાઉ જે કંઇ નમૂના લીધા હશે તેમાં મોટાભાગે પાસ થઇ ગયા છે તેવી માહિતી આપતાં સૂત્રોએ ઘીની સોડમમાં ભ્રષ્ટાચારની ગંધ મિક્સ થઇ ગયાનો કટાક્ષ કર્યો હતો.
દરમિયાનમાં મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને અધિકારીઓની મીટિંગમાં ફૂડ વિભાગનાં અધિકારીને અંબાજીનાં ભેળસેળવાળા ઘીનાં પ્રકરણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આવાં તો ઘણા હશે શહેરમાં. તેમને પકડો અને મરીમસાલામાં પણ ભેળસેળ થાય છે તેની કડકાઇથી તપાસ કરો.
મ્યુનિ. હેલ્થ અને ફૂડ ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શુધ્ધ ઘીમાં વેજીટેબલ ઓઇલ એટલે કે વનસ્પતિ તેલની ભેળસેળ મુખ્ય છે. તદઉપરાંત તેમાં પીળાશ પડતું ઘી દેખાડવા માટે હળદર અથવા પીળા કલરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ લીલાશ પડતુ ઘી દેખાડવા માટે કપૂરી પાન અથવા લીલા કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ સુગંધવાળુ ઘી વેચવા માટે એસન્સ પણ નાખવામાં આવે છે. આ સિવાય એક ખાસ પ્રકારનાં કેમિકલનો પણ ઉપયોગ થાય છે, જે આજદિન સુધી મ્યુનિ. ફૂડ વિભાગને હાથે ચડ્યું નથી.
પ્રસાદમાં ભેળસેળિયું ઘી મોકલનારા વેપારીની દુકાન-ગોડાઉન સીલ
# નિલકંઠ ટ્રેડર્સ દુકાન જૂના માધુપુરા, ઢાળ ઉપર દિલ્હી દરવાજા
# નિલકંઠ ટ્રેડર્સ ગોડાઉન ગ્રાઉન્ડ ફ્લોર, માધુપુરા ચોક પાસે