અપડેટ@ગુજરાત: સાબરમતી નદી પર ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાને જોડતો એક માત્ર પુલ પણ હાલમાં જોખમી સ્થિતિમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરમતી નદી પર ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાને જોડતો એક માત્ર પુલ પણ હાલમાં જોખમી સ્થિતિમાં ભાસી રહ્યો છે. નવા વર્ષે હવે લોકો આ પુલની મરામત કરવાનુ ધ્યાન સરકાર લે એ રાહ જોઈ રહ્યા છે. પુલના સ્લેબ વચ્ચે જગ્યા પડવાને લઈ જોખમ સર્જાયુ છે. પુલ પરથી વાહન થતા જ સ્લેબ અહીં હલવા લાગે છે. એટલે જ તો હવે આ બ્રિજને સ્થાનિકો હિંડોળા પુલ તરીકે ઓળખવા લાગ્યા છે. તો વળી કોઈ તેને હિંચકા બ્રિજ તરીકે ઓળખે છે.
પ્રાંતિજ નજીક આવેલ સાદોલિયા પાસેનો સાબરમતી પુલની હાલત અત્યંત જોખમી બની છે. અહીંથી વાહન પસાર થાય એટલે પુલ ઝૂલતો હોય એવો અહેસાસ થવા લાગે છે. સાબરમતી નદીનો આ પુલ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વનો છે. ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના સીધો જોડતો હોય એવો એકમાત્ર આ બ્રિજ આવેલો છે. આ પુલ માટે વિસ્તારના લોકોએ ખૂબ રજૂઆત કરી ત્યારે તેનું સુખ પંદર વર્ષ પહેલા પ્રાપ્ત થયુ હતુ. પરંતુ આ પુલની સ્થિતિ દોઢ દાયકામાં જ ખુબ જ ખરાબ થઈ ચુકી છે.
ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા એમ ત્રણેય જિલ્લાને જોડતો આ પુલ મહત્વનો છે. આ પુલને લઈ 100 કિલોમીટરથી વધુનુ અંતર વાહનચાલકોને આવન જાવનમાં બચી જાય છે. વિજાપુર, પ્રાંતિજ-તલોદ, માણસા-ગોઝારીયા સહિતના વિસ્તારો એક બીજાથી નજીક આ પુલને કારણે છે. હાલ માંડ 25 કિલોમીટર અંતર ધરાવે છે, એ પુલ બંધ હોવાની સ્થિતિમાં ત્રણથી ચાર ગણુ થતુ હોય છે.
સ્થાનિક લોકો આ પુલને હવે હિંડોળા બ્રિજ અને સાબરમતીના ઝૂલતા પૂલ તરીકે ઓળખવા લાગ્યા છે. અહીં સ્લેબ રીતસરના હલતા નરી આંખે જોવા મળી રહ્યા છે. આ જોઈને જ વાહનચાલકોને મનમાં ડર ઘૂસી જાય છે. એક તરફ વિશાળ સાબરમતી નદીનો પટ અને બીજી તરફ જોખમી પુલ હોય તેની પરથી પસાર થવું એ જીવ જોખમમાં મુકવા જેવી સ્થિતિ છે. પુલમાં અનેક સ્થળે સળિયા બહાર નીકળી આવ્યા છે. તો અનેક જગ્યાએ સ્થિતિ જર્જરીત હોવાનું જોવા મળી રહ્યુ છે.
બીજી તરફ તંત્રએ ભારે વાહનોને પસાર નહીં થવાનું લખેલ પાટીયુ લગાવી સંતોષ માની લીધો લાગે છે. આ પુલની ના તો કોઈ મરામત કરાતી હોય એવુ ધ્યાને આવ્યુ છે કે, ના તો કોઈ નિરીક્ષણ સમયાંતરે થતુ હોય એવુ લાગી રહ્યુ છે. જો આમ થતું હોય તો અહીં પુલની મરામત દોઢ દાયકામાં વાસ્તવિકતામાં જોવા મળી હોત.