અપડેટ@ગુજરાત: ગુજરાતના મુખ્ય 18 ડેમની સ્થિતિ શું? જાણો વધુ વિગતે

કેટલાક દિવસથી વિરામ લીધો છે. 
 
મેઘમહેર@જામનગર: સતત વરસાદથી 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં સાવ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના મુખ્ય 18 ડેમોની સ્થિતી અંગે જો વાત કરીએ તો 50%થી વધુ પાણી ભરાયેલા ડેમોની સંખ્યા માત્ર 7 છે. જ્યારે 11 જેટલા મોટા ડેમોમાં પાણીનો સંગ્રહ 50%થી ઓછું છે. તેમાં પણ મચ્છુ ડેમ-1 અને સીપુ ડેમમાં તો માંડ 10થી 11 ટકા જેટલું પાણી ભરાયું છે.

1. નર્મદા ડેમ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 135.28 મીટરની સપાટી સાથે 88.35% હાલ ભરાયેલો છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો ફરી વધીને 1.17 લાખ કયુસેક થયો છે. ડેમના 5 દરવાજા 1.45 મીટરની સપાટીથી ખોલી નદીમાં 95 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં 23 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીના કારણે કેવડિયા ખાતે આવેલો નર્મદા ડેમ ઝડપથી ભરાયો હતો. ડેમની સપાટી 135 મીટર સુધી પહોંચી જતાં રવિવારે સવારથી ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ડેમની સપાટી 135.93 મીટર સુધી ગયા બાદ સતત ઘટી રહી છે. બે દિવસથી સરદાર સરોવરમાં આવતાં પાણીનો આવરો ઘટી જતાં ડેમની સપાટીમાં ઘટાડો થવા લાગ્યો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

2. ઊંડ ડેમ
જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે ઊંડ-1 ડેમ આવેલું છે. જે 94.08% ભરાયેલો છે. ઊંડ-1 ડેમની કુલ સપાટી 332 ફૂટ છે, જેમાંથી આ સીઝનમાં ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદના કારણે હાલ 320.97 ફૂટની સપાટીએ પહોંચ્યો છે. હજુ પણ 230 ક્યૂસેક પાણીની આવક ચાલું છે. જોકે હાલ ઊંડ ડેમમાંથી પાણીની જાવલને બંધ કરવામાં આવી છે. પાણીની આવકની સામે જાવક ન હોવાથી ડેમમાં પાણીનો સંગ્રહ વિપુલ પ્રમાણ છે.

3. ઉકાઈ ડેમ
તાપી જિલ્લામાં આવેલું ઉકાઈ ડેમ 76.74% ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સતત પાણીની આવક નોંધાઇ રહી છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ 334.83 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. ડેમનું રૂલ લેવલ મેટેનન કરવા હાલ 67,676 ક્યૂસેક પાણીની આવકની સામે 81,594 ક્યૂસેક પાણીની જાવક શરૂ છે.

ઉકાઈ ડેમ

4. કરજણ ડેમ
નર્મદા જિલ્લાના રાજપીપળાનાં જીતનગર ગામ પાસે કરજણ ડેમ આવેલ છે. ખેડૂતોને પાણી પૂરું પાડતો આ ડેમ સાગબારા, દેડીયાપાડામાં વરસાદ વરસતા આ ડેમમાં પાણીની આવક થાય છે. આ ડેમમાંથી કેનાલ અને કરજણ નદીમાં પાણી છોડવામાં આવે છે. આ નદી આગળ જઈને નર્મદા નદીમાં ભળી જાય છે. કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટર છે. જેની હાલની સપાટી 108.07 મીટર છે, જે હાલ 67.83% ભરાયો છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ન થતાં ડેમની સ્થિતિ સામાન્ય છે.

5. સુખી ડેમ
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો સુખી ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે. હાલ મહત્તમ સપાટી 147.82 મીટરથી માત્ર 2.77 મીટર બાકી છે. હાલ સુખી ડેમની સપાટી 145.05 મીટર નોંધાઈ છે અને 64.85% ભરાયો છે. આવનાર દિવસોમાં સુખી ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી જશે તેવી લાગી રહ્યું છે. સુખી ડેમ ચાર તાલુકાના લગભગ 129 ગામોની 31,532 હેકટર જમીનનો ગ્રોસ કમાંડ વિસ્તાર આવેલો છે. જેમાંથી 20,701 હેકટર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સુખી ડેમ થકી પાવી જેતપુર તાલુકાના 67 ગામો, છોટા ઉદેપુર તાલુકાના 11 ગામો, સંખેડા અને બોડેલી તાલુકાના 16 ગામો તથા જાંબુઘોડા તાલુકાના 35 ગામો મળી કુલ 67 ગામોની જમીનોને સિંચાઇનો લાભ મળે છે.

6. પાનમ ડેમ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામ પાસે પાનમ નદી પર પાનમ ડેમ બાધવામાં આવ્યો છે. પાનમનદીને ત્રણ તાલુકાની સરહદ અડે છે. સંતરામપુર, લુણાવાડા અને શહેરા. પાનમ નદી દાહોદ જિલ્લામાંથી ઉદભવે છે અને પાનમનદીના બંધથી 25 કિમી આગળ મહીસાગર નદીમા ભળી જાય છે. આ પાનમડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. હાલમાં તેની કેનાલથી ગોધરા, શહેરા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. ત્યાં 2 મેગા વોટની ક્ષમતાવાળું એક જળ વિદ્યુત મથક આવેલું છે. હાલમાં ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણીની સારી એવી આવક નોંધાઈ હતી. પાનમ વિભાગ દ્વારા મળતી માહીતિ અનુસાર હાલમાં વોટરલેવલ 123.34 છે અને તેની મહત્તમ સપાટી 127.40 છે. આમ કુલ 59.10% જથ્થો પાનમડેમમાં નોંધાયેલો છે. પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ખેડૂતોની જીવાદોરી પાનમડેમ માનવામાં આવે છે.

7. દમણગંગા ડેમ (મધુબન ડેમ)
વલસાડ જિલ્લાને અડીને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર દમણગંગા ડેમ (મધુબન ડેમ) આવેલો છે. જે આ સિઝનમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે 59.92% ભરાયો છે. ડેમની મહત્તમ સપાટી 79.85 મીટર છે અને હાલ પાણીની સપાટી 74.74 મીટરે પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 6178 ક્યૂસેક પાણીની આવક ચાલું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 4686 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

8. કડાણા ડેમ
મહિસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે જે રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. રાજ્યના 8 જિલ્લાઓને પાણી કડાણા ડેમમાંથી પહોંચે છે. કડાણા ડેમ કુલ લેવલ 419 ફૂટ છે. જ્યારે હાલનું લેવલ 393.4 ફૂટ અને ડેમ 46.30% ભરેલો છે. ડેમમાં અત્યારે 4000 ક્યૂસેક પાણીની આવક અને 175 ક્યૂસેક પાણીની જાવક છે. આ પાણી કડાણા ડાબા કાંઠાની કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે.

9. મચ્છુ ડેમ-2
મોરબી અને માળિયા માટે આશીર્વાદ સમાજ મચ્છુ-2 ડેમની જો વાત કરીએ તો મચ્છુ-2 ડેમની કુલ 188 ફૂટની ઊંચાઈ છે. જેમાંથી હાલમાં 177.49 ફૂટ પાણીની સપાટી સાથે ડેમ 44.56% જેટલો ભરેલો છે. આ ડેમ થકી મોરબી સીટી, મોરબી તાલુકા, માળિયા શહેર અને માળિયા તાલુકા વિસ્તારમાં પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.

10. ધરોઈ ડેમ
મહેસાણાથી 75 કિલોમીટર દૂર સતલાસણા તાલુકામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાનાં 701 ગામ અને 12 શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમની હાલની સ્થિતિ પ્રમાણે ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જેની સામે હાલ ડેમની જળસપાટી 603.01 ફૂટ નોંધાઇ છે. આ સાથે ધરોઈ ડેમ 40.93% ભરાયો છે. તેમજ હાલમાં ધરોઈ ડેમમાં 230 ક્યૂસેક પાણી જમા થઈ રહ્યું છે. જેની સામે પાણી છોડવામાં આવી રહ્યું નથી.

11. શેત્રુંજી ડેમ
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં શેત્રુંજી ડેમ આવેલું છે. જે ચાલું સિઝનમાં 38.56% ભરાયો છે. શેત્રુંજી ડેમની મહત્તમ સપાટી 182 ફૂટ જેટલી છે, ત્યારે તેની સામે હાલ 171.75 ફૂટ જળસપાટી નોંધાઈ છે અને 38.56% ડેમ ભરાયો છે. ઉપરવાસમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલા ડેમો પાણીની આવકથી ભરાય રહ્યાં છે. જેથી શેત્રુંજી ડેમ ખાતે પણ આ સિઝનમાં પાણીની આવક થઈ હતી.

12. ભાદર ડેમ
જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર-1 ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ભાદર ડેમ મહત્તમ સપાટી 354 ફૂટ છે અને હાલ 341.83 ફૂટની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે ભાદર ડેમ 35.50% ભરાયો છે.

13. વાત્રક ડેમ
માલપુર તાલુકાના ભેમ્પોડા ખાતે આવેલ વાત્રક ડેમ અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ નથી તેમજ ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેના કારણે વાત્રક ડેમ હાલ 27.35% ટકા જ પાણીનો જથ્થો ધરાવે છે. હાલ ડેમની સપાટી 129.42 મીટર છે જે ગત વર્ષની તુલનામાં બહુ ઓછું છે. જો હજુ પણ વરસાદ ના થાય તો વાત્રક ડેમમાં આગામી સમયમાં પાણી ન તળીયા આવે તો નવાઈ નહીં. આમ હવે પછીના સમયમાં અહીં મેઘરાજાની પધરામણી થાય એ જરૂરી છે.

14. બ્રાહ્મણી ડેમ
સુરેન્દ્રનગરના હળવદ તાલુકામાં બ્રાહ્મણી ડેમ આવેલો છે. જેની મહત્તમ સપાટી 212 ફૂટ છે અને હાલ બ્રાહ્મણી ડેમમાં પાણીની સપાટી 196.98 ફૂટે પહોંચી છે. આ સાથે 24.28% બ્રાહ્મણી ડેમ ભરાયો છે.

15. દાંતીવાડા ડેમ
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ આવેલો છે. ડેમમાં હાલમાં પાણીનું લેવલ 566.59 ફૂટ છે. દાંતીવાડા ડેમની મહત્તમ સપાટી 604 ફૂટ છે. હાલ દાંતીવાડા ડેમ 22.99% ભરાયેલો છે.

16. હાથમતી ડેમ
સાબરકાંઠા જિલ્લામાં હાથમતી નદી ઉપર હાથમતી ડેમ બાંધવામાં આવેલું છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં વરસાદ ઓછો હોવાને લઈને જળાશયોમાં પાણીની આવક ઓછી થઇ છે જેથી જળાશયો ખાલીખમ છે. બીજી તરફ નર્મદા ડેમ ઓવરફલો થવાને લઈને પાઈપ લાઈન દ્વારા હાથમતીમાં પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથમતી જળાશયમાં 40 ક્યૂસેક પાણી નાખવાનું આયોજન છે. હાથમતી ડેમની સ્થિતિ અંગે જો વાત કરીએ તો તેની મહત્તમ સપાટી 593 ફૂટ છે. જ્યારે હાલ તેની સપાટી 576.17 ફૂટે પહોંચી છે. આ સાથે હાથમતી ડેમ 20.57% ભરાયો છે.

17. સીપુ ડેમ
સીપુ ડેમ પણ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ આવેલો છે. જેની મહત્તમ સપાટી 612 ફૂટ છે અને હાલ દાંતીવાડા ડેમની પાણીની સપાટી 579.82 પહોંચી છે. હાલ સીપુ ડેમ 11.13% % ભરાયેલો છે.

18. મચ્છુ ડેમ-1
મોરબી જિલ્લામાં આવતા મહાકાય મચ્છુ-1 ડેમની વાત કરીએ તો 444 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ડેમમાં હાલમાં 416.04 ફૂટ જેટલું પાણીનો જળ જથ્થો સંગ્રહિત છે અને સિંચાઈ વિભાગના હાલમાં મચ્છુ-1 ડેમમાં 264 એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહિત છે અને નર્મદાની યોજના હેઠળ નર્મદાનું પાણી પણ હાલમાં મચ્છુ એક ડેમમાં આવી રહ્યું છે. મચ્છુ ડેમ-1 હાલમાં 10.88% ભરાયેલો છે.