અપડેટ@રાજકોટ: આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો

નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો નથી.
 
અપડેટ@રાજકોટ: આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભર શિયાળે રાજકોટવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો રહ્યો છે. એક સપ્તાહ બાદ પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારીત બની રહેશે. આજી ડેમની સાથે ન્યારી 1 ડેમ અને ભાદર 1 ડેમ પર રાજકોટને પાણી પુરૂ પાડે છે.

પાણી વિતરણનો મુખ્ય આધાર આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમ પર રહે છે. ત્યારે હાલ આજી ડેમની સપાટી ઘટતા પાણી વિતરણ વ્યવસ્થા માટે હવે સૌની યોજના થકી નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. જેને લઈને રાજકોટ મનપાના હોદ્દેદારોએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં સૌની યોજના થકી નર્મદાનું પાણી મળશે તેવો દાવો કર્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે અને રાજ્ય સરકાર તાત્કાલિક પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી માગ કરી છે. સાથે સાથે તંત્ર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે,  RMCમાં ભાજપના શાસનને આટલા વર્ષો થયા પરંતુ એકપણ નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો નથી. જેના કારણે ન છુટકે નર્મદા પર આધાર રાખવો પડે છે. ચોમાસું પુરૂ થયાના બીજા મહિનાથી સરકાર પાસે પાણી માંગવું પડે છે. શહેર જે રીતે વિકસી રહ્યું છે ત્યારે રાજકોટમાં નવા પાણીના સ્ત્રોત ઉભા કરવા ખુબ જ આવશ્યક છે.