અપડેટ@વાલિયા: મહિલાને દીપડાએ પોતાનું ભોજન બનાવી લેતા લોકો ફફડી ઉઠ્યા

ઝૂપડામાં એકલી હતી.
 
 અપડેટ@વાલિયા: મહિલાને દીપડાએ પોતાનું ભોજન બનાવી લેતા લોકો ફફડી ઉઠ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડણસોલી ગામના લીમડી ફળિયામાં એકલી રહેતી મહિલા પર દીપડાએ હમલો કર્યો. મહિલાને દીપડાએ પોતાનું ભોજન બનાવી લીધું. મહિલાને ફાડી ખાધેલો  મૃતદેહ મળી આવ્યો. એ જોઈને  ગ્રામજનો ફફડી ઉઠ્યા છે.

વાલિયા તાલુકામાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાલુકામાં પિયત ખેતીને પગલે સહેલાઈથી શિકાર મળી રહેતું હોવાથી વન્ય પ્રાણી દીપડાએ શેરડીના ખેતરોમાં પોતાનો આશરો બનાવ્યો છે. દીપડા દ્વારા પશુ અને માણસો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા તાલુકાનાં ડણસોલી ગામના હનુમાન ફળિયામાં રહેતી 51 વર્ષીય સુંદરબેન ભાવલાભાઈ વસાવા લીમડી ફળિયામાં તેના ઝૂપડામાં એકલી હતી. દરમિયાન દીપડાએ તેની ઉપર હુમલો કરી તેણીને શિકાર બનાવી ખેંચી ગયો હતો.

મહિલાને ફાડી ખાધી હતી આજરોજ ગ્રામજનોએ મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ જોતાં ગામના આગેવાનોએ વાલિયા વન વિભાગની કચેરી અને પોલીસ મથકે જાણ કરી હતી. જેના પગલે પોલીસ અને વન વિભાગના બીટ ગાર્ડ સુરજ કુરમી સ્થળ પર દોડી આવ્યા હતા.

મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગામની સીમમાં મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. માનવ ભક્ષી દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ આ માનવ ભક્ષી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.