ઉત્સવ@રાજકોટ: 6 બાળાઓના હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણી અને ગરબો લઈ રાસ

કહ્યું-માતાજીની કૃપાથી હજુ સુધી દુર્ઘટના નથી થઈ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

6 બાળાઓના હાથમાં મશાલ, માથે સળગતી ઈંઢોણી અને ગરબો લઈ રાસ. નવરાત્રિમાં છેલ્લા 19 વર્ષથી આ રાસના દ્રશ્યો જોવા મળે છે રાજકોટમાં. અર્વાચીન ગરબાની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ આજે પણ યથાવત છે. એટલે કે મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળના સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ રાસમાં ગીતના શબ્દો છે જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય.. પવન ઝપાટા થાય તોય, માનો ગરબો ઝલતો જાય.. અંબે માનો ગરબો જલતો જાય..

આ રાસને નીહાળવા માટે નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકો પહોંચે છે. કારણ કે આ સમયે માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઈ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માંના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભકિતની શકિત વિના અને માંના આર્શીવાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી.

પઢીયાર ધાર્મિ નામની બાળાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી આ ગરબીમાં ભાગ લવ છું આ વર્ષે પ્રથમ વખત સળગતી ઈંઢોણી રાસમાં ભાગ લીધો છે. અમારા ઉપર અને અમારા આયોજકો ઉપર માતાજીની અસીમ કૃપા છે હજુ સુધી કોઈ પણ દુર્ઘટના સર્જાઈ નથી. સળગતી ઈંઢોણી રાસ માટે દોઢ મહિના અગાઉ ત્રણથી ચાર વખત પ્રેક્ટિસ પણ અમે લોકો કરતા હોય છીએ. દૂર દૂરથી લોકો અમારો આ રાસ જોવા આવે છે માટે એ સમયની ખુશી અમારા માટે અલગ હોય છે.

ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 18 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે 19માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળાઓ રાસ રમી રહી છે. જ્યારે સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાની ટીમ છે. નવરાત્રિ દરમિયાન ત્રીજા, છઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરવામાં આવે છે.

યુવરાજસિંહ ઝાલા વધુમાં કહે છે, પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે માત્ર ગુજરાતી ગરબા જ કલાકારો દ્વારા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને ફાયર સેફટી પણ રાખવામાં આવે છે.

ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.