ઉત્સવ@રાજકોટ: 200 જેટલી બહેનોનો રણજિત વિલાસ પેલેસમાં તલવાર રાસ

બાઇક-ખુલ્લી જીપ પર ઊભા રહી તલવાર બાજી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટના પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભૂત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ડીજે કે આધુનિક ગરબાના બદલે પ્રાચીન પરંપરાને જીવંત રાખતાં બહેનોએ ધારદાર તલવાર સાથે બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈને સાહસિક કરતબ સાથે રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

રણજીત વિલાસ પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક સાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને તલવાર રાસ રમતાં ઉપસ્થિત લોકોને ઘોડેશ્વાર વિરાંગનાઓની યાદ તાજી થઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની રમઝટ પણ બોલાવી હતી.

માંધાતાસિંહજી જાડેજાના પત્ની મહારાણી કાદંબરીદેવીએ જણાવ્યું કે, બ્રહ્મચારિણી ભગવતી દેવીની આપણે આરાધના કરીએ છીએ અને એમને યાદ કરતાં આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમ ખાસ ભગિની સેવા ફાઉન્ડેશનની બહેનો કરી રહી છે, જેઓ બધી ક્ષત્રિય બહેનો છે અને ક્ષત્રિય બહેનો દ્વારા આનું આયોજન કરાયું છે.

આયોજનની સાથે સાથે પૂરી મહેનત, પૂરી વ્યવસ્થા પણ ક્ષત્રિય બહેનો કરી રહી છે. તમે જોશો કે તેઓ દરેક પ્રકારના સ્ટંટ કરે છે, સ્ટંટ જોવા માટે તમને બહુ સરળ લાગશે, પરંતુ વાસ્તવમાં તેની પાછળ તેમની કઠિન મહેનત છે. એક મહિનાથી તેઓ તેનું તાલીમ લઈ રહી છે અને આજે પરફોર્મન્સ કર્યું.