ગંભીર@મહેસાણા: વનપાલ વિરૂદ્ધ ટેન્ડર મામલે તપાસનો મામલો, વિજીલન્સે ફરી સીએફને લખ્યો પત્ર

 આ મામલે પત્રવ્યવહાર શરૂ થયો છે
 
ગંભીર@મહેસાણા: વનપાલ વિરૂદ્ધ ટેન્ડર મામલે તપાસનો મામલો, વિજીલન્સે ફરી સીએફને લખ્યો પત્ર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


મહેસાણા વનવિભાગ હેઠળ અગાઉ બીટ ગાર્ડ અને આજે વનપાલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વિરૂદ્ધ છેલ્લા કેટલાક સમયથી તપાસનો મુદ્દો ગરમાયો છે. વનપાલનાં પત્નીના નામે એજન્સીને નડિયાદ અને અમદાવાદ વનવિભાગમાં લાખો કરોડોની રકમનાં ટેન્ડર મળ્યા હતા. આ ટેન્ડર વિરૂદ્ધ થયેલી રજૂઆત મામલે છેલ્લા કેટલાક સમયથી તપાસના નામે પત્રવ્યવહાર ચાલુ છે. જેમાં વર્ષ 2023 બાદ માર્ચ 2024 માં વિજીલન્સે પત્ર લખ્યો છે. મહેસાણા સીએફને પત્ર લખી અરણ્ય ભવનની વિજીલન્સ શાખાએ યોગ્ય કાર્યવાહી માટે કહ્યું છે. જાણીએ વિવાદાસ્પદ ટેન્ડર, વનપાલ અને ફરિયાદની આંટીઘૂંટી વચ્ચેનો રીપોર્ટ.


મહેસાણા ડીસીએફની મહેસાણા તાલુકા રેન્જમાં હાલે વનપાલ તરીકે ફરજ બજાવતા કર્મચારી અગાઉ બીટ ગાર્ડ હતા. એ દરમ્યાન અર્બુદા એજન્સીને નડિયાદ અને અમદાવાદ વનવિભાગમાં ટેન્ડર મળ્યા હતા. આ એજન્સીના કર્તાહર્તા મહિલા અને મહિલાના પતિ મહેસાણા વનવિભાગના બીટ ગાર્ડ હોઈ રજૂઆત થઈ હતી. વડોદરાના કોઈ અરજદારે સમગ્ર મામલે તત્કાલીન ડીસીએફ કરૂપાસ્વામીને ફરિયાદ કરી ધોરણસરની કાર્યવાહીની માંગ કરી હતી. હવે આ મુદ્દો છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યો ત્યારે અરજદારે ઓનલાઇન અને ઓફલાઇન ફરિયાદો કરી વનપાલને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી છે. આ વિષય શરૂઆતમાં વનવિભાગના ખાતાકીય સંલગ્ન રહ્યો પરંતુ જ્યારે સીસીએફ વિજીલન્સ સમક્ષ આવતાં મહેસાણા સીએફને પત્ર થયો હતો. વર્ષ 2023 દરમ્યાન ડીસીએફ મહેસાણાએ સીએફ મારફતે જવાબ પણ કર્યો હતો. સદર વિષય નડિયાદ અને અમદાવાદ વનવિભાગનો હોઈ મહેસાણા કંઈ રહેતું ના હોવાનો પ્રત્યુતર થયો હતો. જોકે ફરિ 2024મા આ મામલે પત્રવ્યવહાર શરૂ થયો છે. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારના કોઈપણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી માટે ટેન્ડર બાબતે જોગવાઈ છે. આ જોગવાઈ મામલે રજૂઆત કર્તાએ ફરિયાદ કરી છે કે, વનપાલના પત્નીના નામે ચાલતી એજન્સીને નડિયાદ અને અમદાવાદ વનવિભાગમાં ટેન્ડર અપાયા હતા‌. આ બાબતે અગાઉના પત્રવ્યવહાર બાદ તાજેતરમાં માર્ચ 2024 માં સીસીએફ વિજીલન્સ દ્રારા મહેસાણા સીએફને પત્ર લખતાં મહેસાણા ડીસીએફને જવાબદારી મળી છે. મહેસાણા ડીસીએફના સૂત્રોએ જણાવ્યું કે, પત્ર મળ્યો છે એટલે એસીએફને તપાસ આપી ધોરણસરની તપાસનો રીપોર્ટ તૈયાર કરી સીએફ મારફતે વિજીલન્સને મોકલી અપાશે.