વિકાસ@પાટણ: જિલ્લા પંચાયતને રજૂ કર્યું બજેટ, 1438 કરોડની આવક સામે શાળા, આરોગ્ય અને સિંચાઇમાં થશે ખર્ચ

બજેટ સભામાં વિપક્ષે પણ વિકાસના કામોમાં ભેદભાવ અને કર્મચારીઓની બદલીમાં વ્હાલા દવલાનો કર્યો આક્ષેપ 
 
પાટણ જિલ્લા પંચાયત બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ 

પાટણ જિલ્લા પંચાયતના સત્તાધીશોએ વર્ષ 2022-23નું સુધારેલુ અને 2023-24નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં આવક રૂા.1239.25 કરોડ અને ખુલતી સિલક રૂા.199.27 કરોડ મળી કુલ રૂા.1438.52 કરોડની આવક બતાવી છે. સ્વભંડોળ ક્ષેત્રે રૂા.9.68 કરોડ તેમજ સરકારી પ્રવૃત્તિ ક્ષેત્રે રૂ.1229.67 કરોડની જોગવાઇને બાદ કરી રૂ.199.15કરોડની પુરાંતવાળુ બજેટ સભ્યોએ મંજુર કર્યું હતું. આ દરમ્યાન મનરેગાના બજેટ મામલે ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી જેનો ન્યૂઝ રિપોર્ટ આગામી સમયે રજૂ થશે. જોકે પાટણ જિલ્લા પંચાયતના બજેટમાં મોટાભાગની જોગવાઈ મામલે સભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી.

પાટણ બજેટ પત્ર1

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેનના અધ્યક્ષસ્થાને સચિવ તરીકે ડી.એમ સોલંકીની ઉપસ્થિતિમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં બજેટ પૂર્વે એજન્ડા ઉપરના કામો અને પ્રશ્નોતરી દરમ્યાન વિપક્ષના સભ્યોએ ધારદાર પ્રશ્નો રજૂ કર્યા હતા. વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ સૂચવેલા કામો પ્રત્યે ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષના નેતા અશ્વિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, તલાટીઓની બદલીમાં વ્હાલા-દવલાની નીતિ, આરોગ્ય શાખામાં પણ મનસ્વી રીતે બદલીઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પાટણ બજેટ પત્ર1

પ્રશ્નોતરી બાદ જિલ્લા પંચાચત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ પોતાના શાસનકાળ દરમ્યાનનું 2023-24ના વર્ષનું 1438.52 કરોડની આવક સામે 199.15 કરોડની પુરાંતવાળુ બજેટ રજુ કર્યું હતું. બજેટમાં કુલ રૂા.1438.52 કરોડની આવક બતાવવામાં આવી છે. જયારે રૂા.1229.67 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. સ્વભંડોળમાંથી સમાજ કલ્યાણમાં 68 લાખ, સિંચાઇમાં 75 લાખ, બાંધકામમાં રૂા.89 લાખ અને રેતી કંકરની ગ્રાન્ટમાંથી રૂા.2 કરોડથી પણ વધુના વિકાસ કામો અંદાજવામાં આવ્યા છે. 

ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ સુધરે તે દિશામાં પણ કામગીરી થશે તેમ જણાવ્યું હતુ. બજેટમાં જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાચતોમાં રૂા.409 લાખના ખર્ચે સીસીરોડ, પેવર બ્લોક, સીસીટીવી કેમેરા, પાણી માટે આર.ઓ., એલ.ઇ.ડી. લાઇટો, તેમજ જિલ્લાની શાળાઓમાં રૂા.2.05 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ કલાસ બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાનું વર્ષ 2022-23 અને 2023-24 નું લેબર બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. તેમજ 15મા નાણાપંચના કામોની ચોક્કસ સ્થળ સ્થિતીની મંજુરી આપવામાં આવી હતી. સામાન્યસભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.