વિરોધ@રાજકોટ: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ

ઓછા માર્ક મેળવનારને સિલેક્ટ કરવામાં આવ્યા
 
વિરોધ@રાજકોટ: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓમાં  ઉગ્ર વિરોધ પ્રદર્શન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિરોધ પ્રદર્શન જોવા મળતું હોય છે. ફરી એકવાર ફોરેસ્ટ ગાર્ડની પરિક્ષાના કારણે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ CBRT (કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ) રદ કરવાની માગ કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો...હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા. એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસે એક એકને ખેચીને અટકાયત કરી હતી. પોલીસ 6 કાર્યકરની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

NSUIના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે કલેક્ટરને રજૂઆત માટે માત્ર 10 વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા NSUI પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લેખિત પરીક્ષા CBRT પદ્ધતિથી એટલે કે ઓનલાઇન લેવામાં આવી હતી. ત્યારબાદ 6,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગ્રેસિંગ બાદ માર્કમાં સુધારા વધારા થયા હતા. જો કે, તેમાં ઓછા માર્ક મેળવનારને સિલેક્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેપરો નીકળતા હોય છે. જેમાં અમુક વિદ્યાર્થીઓને સરળ તો અમુકને અઘરું પેપર હોય છે. જેને કારણે પરીક્ષાની કોઈ તટસ્થતા રહેતી નથી. જેને લઈને આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.


આ સમયે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ગોટાળા થયા છે અને તેમાં 6000 વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવ્યા નથી. જેથી તેમાં ગેરરીતિ થઈ હોવાની શંકા ઉપજી રહી છે. આ ઉપરાંત કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માગણી છે. કારણ કે, આ પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. આ તકે કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થી સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત માટેનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા માત્ર 10 જ વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટેની છૂટ આપવામાં આવતા મામલો ગરમાયો હતો


જેથી પોલીસે નરેન્દ્ર સોલંકી સહિત છ વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે કાર્યકરોએ ભાજપ હાય હાય, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. આ સમયે એક વિદ્યાર્થી કાર્યકર પોલીસવાન પર ચડી જતાં પોલીસે વાન પરથી આ વિદ્યાર્થી કાર્યકરને નીચે ઉતાર્યો હતો. બાદમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.


આ તકે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થી કરણ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે. પરંતુ સરકારમાં બેઠેલા લોકો પેપર ફોડી નાખે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. 200 માર્કની પરીક્ષા હતી જેમાં મારે 100થી વધુ માર્ક છે. પરંતુ 6,000 વિદ્યાર્થીના સિલેક્શનમાં મારું નામ નથી. જેથી અમારી સરકારને વિનંતી છે કે, CBRT પદ્ધતિ રદ કરવામાં આવે.