હવામાન@અમદાવાદ: નલિયાથી શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો, જાણો વધુ વિગતે

લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો. ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે.
 
મોસમ@ઠંડી: ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.  કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતાં લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો. ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે. જેને કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે. આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

અમદાવાદ સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે. ત્યારે ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, કંડલા સહિતના વિસ્તારને બાદ કરતાં રાજ્યભરના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણનો ડિગ્રી ઘટાડો નોંધાયો છે. તેની સામે લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી નીચું રહેતા ગુજરાતમાં શિયાળો જામ્યો હોય તેમ અસરો વર્તાઈ રહી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્યથી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવા પામ્યું છે. જ્યારે ગુજરાતના મહાનગરોમાં અમદાવાદમાં સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન રહીને 30.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સામાન્ય તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વડોદરામાં સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન લઈને 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા સુરતમાં પણ સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ ઓછું મહત્તમ તાપમાન નોંધાઈ અને 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે ગતરોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં હજુ પણ 0.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય ત્રણ મહાનગરોમાં રાજકોટ અને વડોદરામાં 14.6 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં નોંધાયું હતું. જેમાં ગતરોજ રાજ્યભરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મધ્ય ગુજરાતના ગાંધીનગરમાં પણ 12.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે અનેક દિવસો તેમ બન્યું છે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું હોય છે.