હવામાન@અરવલ્લી: આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, જેમાં અમદાવાદ 41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવાની શક્યતા છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ પારો 40°C સુધી પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થશે, જ્યારે વડોદરા, ભાવનગર અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 39°C ની આસપાસ રહી શકે છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, પોરબંદર અને દ્વારકામાં તાપમાન 31°C થી 34°C વચ્ચે રહેતા અન્ય શહેરોની સરખામણીએ ગરમીથી થોડી રાહત જોવા મળશે.
અરવલ્લીના માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. માલપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાત્રાધામ શામળાજી, વાશેરા કંપા, મોડાસાના નાદિસણ ગામ તેમજ મેઘરજ અને ઇસરી, રેલ્લાવાડા, જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

