વાતાવરણ@ગુજરાત: 10 શહેરોમાં તાપમાન ગગડીને 15 ડિગ્રી નીચે જતાં કડકડતી ઠંડીનો અનુભવ

તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
 
ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની શરૂવાત થઇ ગઈ છે. કડકડતી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

આ વર્ષે રાજ્યમાં ઠંડીનો મોડો પ્રારંભ થયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે. રાજ્યમાં આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. તાપમાનની વાત કરીએ તો, 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ રહ્યું હતું. ત્યારબાદ દાહોદનું 11.9 ડિગ્રી, નલિયા 12.2 ડિગ્રી, નર્મદા 12.7 ડિગ્રી અને ડીસાનું 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આજે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 15.7 ડિગ્રી, બરોડા 14.4 ડિગ્રી, રાજકોટ 14.0 ડિગ્રી અને સુરતમાં 19.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે ઉત્તર-પૂર્વ તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે સાડા આઠ વાગ્યે પૂરાત થતા ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગના મોટાભાગના સેન્ટર પર મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી નીચે જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.