હવામાન@ગુજરાત: ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો, બર્ફીલી હવાનો કહેર, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળો હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. થોડા દિવસની રાહત બાદ ગુજરાતમાં ફરી ઠંડી વધી રહી છે. ઉત્તર ભારતમાં બર્ફીલી હવાઓ ફૂંકાવાના કારણને ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા. ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. ગ્રેટર નોઈડા, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ સ્થળોએ ઠંડી વધી ગઈ છે, જોકે આ દિવસોમાં તડકો પડવાની સંભાવના છે. આ ઉપરાંત હળવો વરસાદ પણ પડશે.
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં બે ત્રણ દિવસ ઠંડીમાં રાહમ મળ્યા બાદ બુધવારે ફરીથી ઠંડી વધી હતી. રાજ્યભરમાં એક – બે ડિગ્રી જેટલું તાપમાન ફરી ઘટ્યું હતું. ગુજરાતમાં 16. 1 ડિગ્રીથી લઈને 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. 16.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.
બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે, આ સાથે દિલ્હી-એનસીઆરને પ્રદૂષણમાંથી રાહત મળી છે. લગભગ ત્રણ મહિના પછી લોકો દિલ્હીની સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છે. હકીકતમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ કારણેઉત્તર ભારતમાં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં શિયાળો રહેશે.
IMD અનુસાર, ઉત્તર ભારત અને મધ્ય ભારતના ઘણા શહેરોમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જો કે, હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આગામી ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. હવામાનશાસ્ત્ર એમ પણ કહે છે કે થોડા વરસાદ બાદ દિલ્હી સહિત હિમાચલ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી બે દિવસ સુધી 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ચાર ડિગ્રી ઓછું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સવારે ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગે દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.