વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી,આવનારા 24 કલાકમાં સારો વરસાદ જોવા મળી શકે

બીજા દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો થશે. 
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી,આવનારા 24 કલાકમાં સારો વરસાદ જોવા મળી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી સપ્તાહમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે વાત કરી છે.અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી સાત દિવસ માટેનું હવામાન જોઇએ તો, આવનારા 24 કલાકમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

વૈજ્ઞાનિકે ઉત્તર ગુજરાતની વાત કરતા જણાવ્યુ કે, 24 કલાકમાં અહીંના તમામ તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે. જેમાં ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે.આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે, દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 24 કલાકમાં હળવાથી ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આ સાથે ભારે વરસાદની આગાહીની આપણે વાત કરીએ તો, દક્ષિણ ગુજરાના ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

વૈજ્ઞાનિકે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીંના કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અહીં ભારે વરસાદની આગાહી નથી. અમરેલી, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આગાહીમાં એમ પણ જણાવ્યુ કે, કચ્છમાં આગામી પાંચ દિવસ ડ્રાય રહેવાની સંભાવના છે. 24 કલાક બાદ બીજા દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો થશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે. હાલ જે મધ્ય પ્રદેશની જે સિસ્ટમ બની છે તેના દ્વારા આપણને વરસાદ મળી રહ્યો છે. તેના લીધે જ આપણને આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે. જે બાદ સિસ્ટમ ધીરે ધીરે નબળી બનશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જે બાદ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ થવાની શક્યતા છે.