હવામાન@ગુજરાત: નલિયા 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ, જાણો વધુ

ત્રણથી ચાર દિવસ બાદ સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઇ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. નલિયા 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યાં ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હાલમાં કચ્છમાં ખુશનુમા ઠંડીનો માહોલ છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે શીત લહેરની તીવ્રતા ઓછી છે. જોકે, વહેલી સવારે બહાર વિશેષ શીતળતાનો અનુભવ થાય છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે દેશના ઉત્તરીય પ્રદેશોમાં થયેલી હિમવર્ષાની અસર આગામી દિવસોમાં કચ્છમાં પણ વર્તાઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર સહિતના ઉત્તરીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. આ સંભાવના મુજબ, લગભગ ત્રણથી ચાર દિવસ બાદ સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. આના કારણે કચ્છવાસીઓ હવે કડકડતી ઠંડીનો અનુભવ કરશે. અત્યાર સુધી આરામથી કામ કરતા લોકો હવે ભારે ગરમ વસ્ત્રો પહેરતા અને તાપણીનો સહારો લેતા જોવા મળશે.