હવામાન@ગુજરાત: 2 દિવસમાં તાપમાનનું તાંડવ શરૂ થયું, દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર

દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે
 
ગરમી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

2 દિવસમાં તાપમાનનું તાંડવ શરૂ  થયું છે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન લગાવ્યું છે.

આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત્ નોંધાયું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતા છે.