વાતાવરણ@ગુજરાત: આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો

વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો 
 
તો જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે.  હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી-ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો. જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા.


હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાય ગયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.