વાતાવરણ@કચ્છ: નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું, લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે.
નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હજુ એકલ આંક સુધી પહોંચ્યું નથી. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. ભુજનું ન્યૂનતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે.
સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હજુ સંપૂર્ણપણે જામ્યો નથી. લોકો ગરમ વસ્ત્રો પહેરવા કે નહીં તે અંગે અવઢવમાં છે. ભુજ શહેરની બજારમાં ગરમ વસ્ત્રોની હંગામી દુકાનોમાં હજી સુધી ગ્રાહકોની ખરીદી જામી શકી નથી. કંડલામાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

