હવામાન@મહેસાણા: વિસનગરમાં કડકડતી ઠંડી અને વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે.ઉત્તર ગુજરાત સહિત વિસનગર શહેરમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. સમગ્ર પંથક ઠંડીમાં ઠુંઠવાઈ ગયો હતો. વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી.
શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવ્યા હતા. નોકરીયાત વર્ગ અને સવારના મુસાફરોને પણ ધુમ્મસને કારણે અવરજવરમાં અડચણ પડી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ તીવ્ર જોવા મળી હતી. વિસનગરના સીમ વિસ્તારો અને ખેતરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં ખેડૂતોને તેમના કામમાં મુશ્કેલી પડી હતી. ઠંડીથી બચવા માટે લોકોએ ઠેર ઠેર તાપણાંનો સહારો લીધો હતો અને ગરમ વસ્ત્રો પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

