હવામાન@ગુજરાત: રાજ્યમાં 2 દિવસની વરસાદની આગાહી; કેરી, જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાન થઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેનાથી પરેશાન થયેલા લોકોને હવે થોડો રાહતનો અહેસાસ થયો છે. પવનની દિશામાં બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ 18 અને 19 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે.
વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. હાલમાં ખેતરમાં રહેલા જીરું, ઘઉં, ચણા, વરયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ પડીકે બંધાયા છે. જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે.
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો આકરો તાપ સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 4થી 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવે પવનની દિશામાં ફેરફાર થતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને આજથી એટલે કે, 14 માર્ચથી ગરમીમાંથી આશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

