હવામાન@ગુજરાત: 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે અમરેલી સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું શહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીએ બરાબરની જમાવટ કરી છે. ગુરુવારની સવાર રાજકોટવાસીઓ માટે જબરી ઠંડી રહી હતી, જ્યાં પારો ગગડીને 8.4 ડિગ્રીએ પહોંચી જતાં રાજકોટ રાજ્યના જાણીતા ઠંડા મથક નલિયા કરતાં પણ વધુ ઠંડું રહ્યું હતું.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમરેલી જિલ્લો અત્યારે ઠંડીનું કેન્દ્ર બન્યો છે. 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે અમરેલી સમગ્ર ગુજરાતનું સૌથી ઠંડું શહેર જાહેર થયું છે. રાજકોટ બીજા ક્રમે રહીને ‘કોલ્ડ વેવ’ જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ મુજબ આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાનું ચાલુ રહેશે. રાજકોટમાં રાત્રિના સમયે તાપમાન સિંગલ ડિજિટમાં જ રહેવાની શક્યતા છે.
પહાડી વિસ્તારોમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં ઠંડીનું જોર વધતા જ લોકોએ ગરમ કપડાં, ટોપી અને મફલરનો સહારો લીધો છે.
વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે, જ્યારે રાત્રિના સમયે રાજમાર્ગો પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ઠેર-ઠેર તાપણાં કરતા પણ નજરે પડી રહ્યા છે. વૃદ્ધો અને બાળકોને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીથી બચવા તેમજ ગરમ પ્રવાહી લેવાની ડોક્ટર સલાહ આપી રહ્યા છે.
રાજ્યમાં અમરેલીમાં સૌથી ઓછું 6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જ્યારે બીજા ક્રમે રાજકોટમાં 8.4 ડિગ્રી રહ્યું છે. પોરબંદરમાં 8.9 ડિગ્રી જ્યારે ડીસામાં 9.3 અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

