હવામાન@ગુજરાત: રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચ્યો, જાણો વધુ વિગતે

આજે અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2°Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1°Cનો ઘટાડો નોંધાયો છે.

19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે.

વરસાદની આગાહી મુજબ, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે.