હવામાન@ગુજરાત: રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર, 17 જિલ્લામાં આજે હિટવેવને લઈ એલર્ટ

આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર પહોંચ્યો છે.ગુજરાતમાં ગરમીનો પારો વધુ જોવા મળ્યો છે.જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સતત બિજા વર્ષે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગકમી યથાવત રહી છે. ગત વર્ષે પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

IMD અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે.

અમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે.