હવામાન@ગુજરાત: આજથી 5 જિલ્લામા ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં નોંધાશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા કરવામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ત્યારે આજે 1 જૂને પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.
સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ 40થી 50 કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે.

