હવામાન@ગુજરાત: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, જાણો તમારા શહેરનું વાતાવરણ વિશે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઈ છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગોંડલમાં ખોડિયાર નગરના રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતાં વાહન વ્યવહાર અટવાયો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માત્ર ત્રણ કલાકમાં 4 ઇંચ અને ઉના-કોડીનારમાં બે કલાકમાં 1થી 1.5 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. એક તરફ નદી-નાળા છલકાઈ જતાં વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વેરાવળના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

વેરાવળમાં બે નાના બાળકને સાથે લઈ સાયકલ પર પસાર થઈ જઈ રહેલો એક વ્યક્તિ વરસાદી પાણીમાં ઢંકાઈ ગયેલી ખુલ્લી ગટરમાં અચાનક ખાબક્યો હતો. જેથી બે બાળકો સહિત ત્રણેય ગટરમાં પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના લીધે સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેરમાં છૂટો છવાયો તો અમુક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે.