હવામાન@ગુજરાત: પાટણ-બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણો વધુ વિગતે

વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે બપોર બાદ પાટણ અને બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણ પણ પલટો જોવા મળ્યો હતો. વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે 15થી 20 મિનિટ તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.

7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 37.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આજે 36 ડિગ્રી તાપમાન રહેશે.

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. વિસ્તારમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડતા એક તરફ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ 'માવઠું' આફત બનીને આવ્યું છે. તૈયાર થયેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને આંબાના બગીચાઓ અને ખેતરમાં પડેલા અન્ય પાકને ભારે પવન અને કરાને કારણે મોટું નુકસાન થઈ શકે છે. આ બદલાતા હવામાનના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે.