હવામાન@ગુજરાત: રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં.
આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના ગોંડલ અને આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.
હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

