હવામાન@ગુજરાત: આજે સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. જેમાં આજે 24 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, અને 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે. જ્યારે આજે 24 જૂને સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના વધુ વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ બનેલી છે.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું. 2023માં 25 જૂને ચોમાસાનું આગમન થયું હતું. એટલે કે 6 વર્ષમાં બીજી વાર ચોમાસું અઠવાડીયું લેટ થયું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચેતવણી યેલો એલર્ટ આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 24થી 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.
આ ઉપરાંત, મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની પણ સંભાવના છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો ત્યાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
આજે 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.

