હવામાન@ગુજરાત: રાજ્યના અનેક શહેરમાં ભારે વાવાઝોડું શરૂ, આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગાહી મુજબ આજે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે.
બપોર બાદ રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં કરાનો વરસાદ પડ્યો છે. તો જામનગરમાં પણ તોફાન જોવા મળી રહ્યું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આજે પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ રહી શકે છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે, 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે.

