હવામાન@ગુજરાત: અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો, 30 થી 1 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અસહ્ય ગરમી પડી રહી છે.અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 30 થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
સોમવારે રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી ગરમીન નોંધાઈ હતી.
હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. આજે રાજકોટમાં ગરમીનો પારો 44°C પહોંચે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે.
સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હોટ એન્ડ હ્રુમીડ કંડીશનની આગાહી કરી છે. જેના કારણે 28મી તારીખ સુધી બફારાના કારણે અકળામણ અનુભવાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ સાથે 30 મે થી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

