વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે 'યલો એલર્ટ' જારી કર્યું

શહેરનો પારો આજે 45°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના રિઝલ્ટના દિવસે ઉમેદવારોની સાથે-સાથે લોકોને પણ કાળઝાળ ગરમીમાં પરસેવો વળશે, કારણ કે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે 'યલો એલર્ટ' જારી કર્યું છે. વધતા તાપમાનના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તેમાં પણ ખાસ કરીને રાજકોટવાસીઓએ આજે વિશેષ સાવધાની રાખવી પડશે, કારણ કે શહેરનો પારો આજે 45°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે.

આકરી ગરમી અને લૂના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે સતર્ક રહેવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીનો પારો 44°C ઉપર પહોંચી ગયો છે. ગતરોજ અમદાવાદ 44.2°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આકરી ગરમીને પગલે સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપ્યું હતું અને કાળઝાળ તાપમાં લોકો શેકાયા હતાં.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 28 એપ્રિલને મતગણતરીના દિવસે રાજકોટમાં સૌથી વધુ 45°C, અમદાવાદમાં 44°C, અમરેલીમાં 44°C, ગાંધીનગરમાં 44°C, વડોદરામાં 42°C, સુરતમાં 41°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 42°C, દાહોદમાં 41°C, દમણમાં 37°C, ડાંગમાં 39°C, ડીસામાં 41°C, દ્વારકામાં 33°C, નલિયામાં 38°C અને પોરબંદરમાં 38°C મહત્તમ તામમાન રહેની સંભાવના છે.