હવામાન@ગુજરાત: આજે નલિયાનું લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ

ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે અબડાશા તાલુકામાં શીતલહેરનો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો છે.
 
હવામાન@ગુજરાત: આજે સવારે નલિયાનું લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા ફરી એકવાર રાજ્યનું ‘કોલ્ડ સેન્ટર’ બન્યું છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે અબડાશા તાલુકામાં શીતલહેરનો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે સવારે નલિયાનું લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જનજીવન રીતસરનું થંભી ગયું હતું. છેલ્લા ઘણા વર્ષોમાં આવી હાડ થીજવતી ઠંડીનો અનુભવ પ્રથમવાર થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

કાતિલ ઠંડીની સૌથી માઠી અસર ધરતીપુત્રો પર પડી છે. તૈયાર પાક હેમના કારણે મોટું નુકસાન થયું છે. ઐડા ગામના ખેડૂત અલીભાઈ પોતાની વ્યથા ઠાલવતા કહે છે: “નદી કાંઠાના અમારા ખેતરોમાં 100 એકરથી વધુ જમીનમાં એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં બરફ પડવાથી પાક બળી ગયો છે.

અમે રાત્રે ચોકી કરવા ગયા હતા, પણ અડધી રાત્રે ઠંડી એટલી વધી ગઈ કે અમારે જીવ બચાવવા ઘરે પરત ફરવું પડ્યું.” બુટ્ટા ગામના મહેશ કોલી જણાવે છે કે “મારું ખેતર ડેમની બાજુમાં છે. રાત્રે 3 વાગ્યે ત્યાં સ્થિતિ ભયાનક હતી. સતત હેમ પડવાથી એરંડાનો ઉભો મોલ સુકાઈ ગયો છે. રાત્રે તાપણાનો સહારો લીધો ન હોત તો માણસનું લોહી પણ જામી જાય તેવી ઠંડી હતી. હજુ ઠંડી વધશે તો ખેતરે જવાનું પણ ટાળવું પડશે, કારણ કે પાક તો ગયો પણ હવે જીવનું જોખમ છે.”

અબડાસાના દરિયાકાંઠાના ગામોમાં અચરજ જોવામળ્યું હતું. કેરવાંઢ, ઐડા અને જંગડીયા જેવા ગામોમાં વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં ખુલ્લામાં પાર્ક કરેલી બાઈકની સીટ અને લોખંડના સાધનો પર બરફની સફેદ પરત જામી ગયેલી જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને ગ્રામજનો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. જાણે હિમવર્ષા થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

કેરવાંઢના સરપંચ જુમ્મા ભાઈએ ગ્રામજનોને સાવચેત કરતા જણાવ્યું હતું કે, “સવારે ગાડીઓ પર બરફ જામી ગયો હતો, જે ઠંડીની તીવ્રતા દર્શાવે છે. મેં ગામ લોકોને જાણ કરી છે કે રાત્રિના સમયે કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું અને ગરમ કપડાં પહેરીને જ સાવચેતીપૂર્વક બહાર જવું.”

ઠંડીના કારણે નલિયા, નરેડી, વાયોર, જખૌ અને કોઠારા રોડ પરના વિસ્તારોમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. કોઠારા જેવા વેપારી મથકોમાં સાંજે 5 વાગતા જ બજારો સૂમસામ બની જાય છે. ગ્રાહકો ન હોવાથી વેપારીઓ વહેલી દુકાનો વધાવીને ઘરે રવાના થઈ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખેતમજૂરો અને દૂધ વિતરકો પણ મોડા કામે ચડી રહ્યા છે. આખો દિવસ લોકો ગરમ વસ્ત્રો, ટોપી અને મફલરમાં લપેટાયેલા જોવા મળે છે.