હવામાન@ગુજરાત: રાજ્યના 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં આજે સિઝનનો સૌથી સારો વરસાદ વરસ્યો છે. સવારથી સાંજ સુધીમાં 150થી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદમાં 10-10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા રસ્તાથી લઈ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં જતા રસ્તા પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. જ્યારે બોટાદના રાણપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાણપુર તાલુકાના અલમપુરમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં આજે અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાના કારણે પાંચ પશુઓના મોત નિપજ્યા હતા.
રાત્રે 8 વાગ્યા બાદ અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

