હવામાન@ગુજરાત: નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું

ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 
 
હવામાન@ગુજરાત: નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી:5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર; આબુમાં વાહનો પર બરફનાં થર જામ્યાં

રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે, જેમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનોનો ચમકારો જારી રહેશે. બીજી તરફ, માઉન્ટ આબુમાં પારો શૂન્યની નીચે પહોંચતા વાહનોના કાચ પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે હિલ સ્ટેશન પર ‘મિની કાશ્મીર’ જેવો નજારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાવાને કારણે રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સિઝનનું સૌથી ઠંડુગાર શહેર નલિયા બની ગયું છે. જ્યાં સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.