હવામાન@ગુજરાત: આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની નબળી શરૂઆત, જાણો વધુ વિગતે

30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિમી વરસાદ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી નબળી શરૂઆત થઈ છે.30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિમી વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 9 દિવસ મોડું આવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા વરસાદની ઘટ પડી છે. છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 30 જૂન સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિમી વરસાદ નોંધાયો છે. જૂન મહિનાની સરેરાશ મુજબ રાજ્યમાં 110 મિમી વરસાદ નોંધાવવો જોઈએ. ચોમાસાની મોડી અને નબળી શરૂઆતના કારણે 268માંથી 52 તાલુકાઓ હજી પણ કોરાધાકોડ છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની નબળી શરૂઆતના કારણે 22 જૂન સુધીમાં માત્ર 9 ટકા વાવેતર જ થઈ શક્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 207 ડેમમાં કૂલ 46.55 ટકા જળસંગ્રહ છે. જે ગત જૂનની સરખામણીએ 2 ટકા ઓછો છે.

ગુજરાતમાં આ વર્ષે 9 દિવસ મોડું 24 જૂને ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ આગળ ન વધતા 30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28.42 મીમી વરસાદ જ નોંધાયો છે. છેલ્લા 12 વર્ષ દરમિયાન 30 જૂન સુધીમાં ક્યારે કેટલો વરસાદ વરસ્યો તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

ગુજરાતમાં જૂન મહિના દરમિયાન વરસાદની સરેરાશ 110 મિમી છે. તેને જોતા છેલ્લા 12 વર્ષ દરમિયાન 2016, 2018, 2019, 2022, 2024 અને 2026માં વરસાદની ઘટ નોંધાઈ છે.

30 જૂન સવાર સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના 268 તાલુકાઓમાંથી 52 તાલુકા કોરાધાકોડ રહ્યા છે. એટલે કે અહીં હજી વરસાદ નોંધાયો જ નથી. સ્વભાવિક છે કે, રાજ્યમાં ઓછો વરસાદ છે તો પાણીની સ્થિતિને લઈ પણ ચિંતા જન્મી છે.

રાજ્યમાં નર્મદા સહિત કૂલ 207 ડેમ આવેલા છે. જેમાં હાલ 46.55 ટકા જળસંગ્રહ થયેલો છે. જે 30 જૂન, 2025ની સરખામણીએ 2 ટકા ઓછો છે. ગુજરાતમાં ઝોન વાઈઝ અને મુખ્ય ડેમમાં જળસંગ્રહની સ્થિતિ કેવી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનના સરેરાશ વાવેતર વિસ્તારની વાત કરીએ તો તે કૂલ 85 લાખ 30 હજાર 808 હેકટરનો છે. ગત વર્ષ 22મી જૂન સુધીમાં રાજ્યમાં 18 લાખ 29 હજાર 597 હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. તેની સામે આ વર્ષે 22 જૂન સુધીમાં માત્ર 7 લાખ 66 હજાર 669 હેકટરમાં જ વાવેતર થયું છે. જે કૂલ વાવેતરલાયક વિસ્તારના માત્ર 9 ટકા છે.

આ વર્ષે અલનીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. IMD દ્વારા જાહેર કરાયાલે લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.