હવામાન@ગુજરાત: રાજ્યના 24 તાલુકામાં 1 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો

અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં 1 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી-વલસાડમાં વધુ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ  દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દિવસો દરમિયાન કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.

ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ રહ્યું છે.

સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 14% ઓછો

ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યુ કે, 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 14% ઓછો નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં 35%ની ઘટ જોવા મળી છે. અમદાવાદમાં અત્યાર સુધી 595.3 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે.

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 7 સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સક્રિય વરસાદી સિસ્ટમ

હાલમાં ગંગેટિક વેસ્ટ બંગાળ અને ઉત્તર ઓડિશાના આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ગુજરાતથી આ સિસ્ટમ તરફ ટ્રફ પણ સક્રિય છે.