હવામાન@ગુજરાત: ભાવનગરમાં તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચ્યું, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવ, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?

રાજ્યના 6 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. આ સીઝનમાં પહેલીવાર ભાવનગરમાં તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચ્યું છે, જે ગઈકાલનું રાજ્યનું સૌથી ઊંચું તાપમાન હતું. અહીં 24 કલાકની અંદર જ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઉછાળો જોવા મળ્યો છે. તો સુરતમાં 13 મેના રોજ તાપમાનમાં 8 ડિગ્રીના ઘટાડા બાદ ગઈકાલે પારો સીધો 5 ડિગ્રી વધીને 39.4°Cએ પહોંચ્યો છે. રાજ્યના છ શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં થયેલા મહત્તમ તાપમાનના મોટા ફેરફારની વાત કરીએ તો ભાવનગરમાં 4.5°C, દીવમાં 3.8°C અને વડોદરામાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 3.2°C, કંડલામાં 1.5°C અને નલિયામાં 1.5°Cનો ઘટાડો થયો છે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ સામાન્ય વધઘટ નોંધાઈ છે.

આજે હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલથી થોડા દિવસો માટે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43° C, સુરતમાં 40°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 43°C, ભૂજમાં 41°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.