વાતાવરણ@ગુજરાત: તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તાપમાન 43.2 ડિગ્રી પાર, જાણો વધુ

પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી વચ્ચે આજે પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતાં નાગરિકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીનું જોર વધ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી ગયું છે. હજુ આજે પણ ગરમી અને ઉકળાટ રહેવાનું અનુમાન છે. 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે કાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મોટા ભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈપણ બદલાવ જોવા મળશે નહીં. બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે. તેમજ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. દરિયાકાંઠા વિસ્તારમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.