હવામાન@ગુજરાત: કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જાણો વધુ વિગતે

ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે કરા પડતા મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.

જામનગર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કરા સાથે વરસાદથી લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા.

લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અનેક સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેનાથી રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. મોટી વેરાવળ સહિતના પંથકમાં માવઠાને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.